અમિત ચાવડાનો મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષને પત્ર
રાજ્યમાં 6 મહિનાથી વધુ સમયથી સત્ર ન બોલાવાતા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સત્ર બોલાવવા રજૂઆત કરી છે. અમિત ચાવડાએ મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષને પત્ર લખી રજૂઆત કરી છે. પત્રમાં વહેલી તકે વિધાનસભા સત્ર બોલાવવા માગ કરી છે. પ્રજાના પ્રશ્નો સરકાર સમક્ષ મૂકી શકે તે માટે અમિત ચાવડાએ સત્રની જાહેરાત કરવા માગ કરી છે. અમિત ચાવડાએ જણાવ્યું કે, વિધાનસભાનું સત્ર ઓછામાં ઓછું છ માસમાં મળવું જોઈએ તેવી જોગવાઈ ભારતના બંધારણમાં થયેલી છે. તે બંધારણીય જોગવાઈ મુજબ વિધાનસભાનું સત્ર આગામી ઓગસ્ટ માસના અંત પહેલાં આહવાન કરવું પડશે. સત્રનું સમયરસ આહવાન કરવામાં આવે તો પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને તારાંકિત પ્રશ્નો પૂછવાનો સમય મળે અને તારાંકિત પ્રશ્નો દ્વારા સરકારનું ધ્યાન આકર્ષિત કરીને મત વિસ્તારના અનેક પ્રશ્નો નાગરિકોના હિતમાં પૂછતાં હોય છે. આવા પ્રશ્નો પૂછવાનો આશય નાગરિકોના પ્રશ્નો/સમસ્યાઓ હલ કરવાનો કે સરકારની નીતિઓની ચર્ચા થાય તેમજ કોઈક જગ્યાએ ગેરરીતિ કે અનિયમિતતા હોય તેવા સંજોગોમાં પ્રશ્ન પૂછવાથી તેમાં સતર્કતા આવતી હોય છે અને ગેરરીતિ અટકતી હોય છે.
ગુજરાતમાં પ્રતિબંધિત દવા બનાવતી ફેક્ટરી પકડાઈ!
ગુજરાતમાં થોડા સમય પહેલાં એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી, ત્યારે હવે પ્રતિબંધિત દવાઓનું પણ હબ ગુજરાતમાં બની રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને ઇન્ડસ્ટ્રિયલ એરિયાની અંદર પ્રતિબંધિત દવાઓ બનાવવાનો રીતસરનો કારોબાર શરૂ થયો છે. થોડા સમય પહેલાં કસ્ટમ વિભાગ અને ભુજ પોલીસ દ્વારા ટ્રેમાડોલનું આખું કન્સાઇનમેન્ટ પકડવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાતમાં પણ આ દિશામાં અલગ-અલગ એજન્સીઓ કામ કરી રહી હતી. ત્યારે ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, ભરૂચ અંકલેશ્વર પાસેની એક ફેક્ટરીમાં પ્રતિબંધિત ટ્રેમેડોલ દવાઓનું ઉત્પાદન થઈ રહ્યું છે અને તે સંદર્ભે ભરૂચ પોલીસને સાથે રાખીને ત્યાં રેડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશન દરમિયાન 31 કરોડનું રો-મટીરિયલ લિક્વિડ ફોર્મમાં મળી આવ્યું છે. ટ્રેમાડોલનું ઉત્પાદન થઈને અન્ય જગ્યાએ ભારત અથવા વિદેશમાં જતું હોવાની પૂરી શક્યતાના આધારે ગુજરાત એટીએસએ તપાસ શરૂ કરી છે. સામાન્ય રીતે ટ્રેમાડોલ દવા પ્રતિબંધિત છે અને તેનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવતો હતો.
DJની ધૂન વચ્ચે યુવકને માર મરાતા યુવકનું મોત
વડોદરામાં 1 ઓગસ્ટના રોજ દશામાની શોભાયાત્રામાં ટોળામાં કેટલાક લોકોએ પીયૂષ નામના 20 વર્ષીય યુવકને માર માર્યો હતો. જે ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જોકે 5 દિવસની સારવાર બાદ સયાજી હોસ્પિટલમાં યુવકનું મોત થયું છે. પીયૂષના મિત્ર કુલદીપના જણાવ્યા મુજબ, એક ભાઇ સામે અડીને ચાલતા હોવાથી પીયૂષનો હાથ તેમને અડી ગયો હતો અને બાદમાં ઝઘડો થયો હતો. યુવકને માર મારવાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કેટલાક લોકો મળીને યુવકને માર મારતા દેખાય છે. આ મામલે પાણીગેટ પોલીસે 3 આરોપી સામે ગુનો દાખલ કરીને તેમની શોધખોળ શરૂ કરી છે.
ચાંદીપુરા વાઇરસથી 71 બાળકોનાં મોત
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસો વધી રહ્યા છે. ત્યારે હાલ રાજ્યમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા 159 થઈ છે, જ્યારે મૃત્યુઆંક 71એ પહોંચ્યો છે. જે પૈકી સાબરકાંઠા-16, અરવલ્લી-07, મહીસાગર-04, ખેડા-07, મહેસાણા-10, રાજકોટ-07, સુરેન્દ્રનગર-05, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-08, પંચમહાલ-16, જામનગર-07, મોરબી-06, ગાંધીનગર કોર્પોરેશન-03, છોટા ઉદેપુર-02, દાહોદ-04, વડોદરા-09, નર્મદા-02, બનાસકાંઠા-07, વડોદરા કોર્પોરેશન-02, ભાવનગર-01, દેવભૂમિ દ્વારકા-02, રાજકોટ કોર્પોરેશન-04, કચ્છ-05, સુરત કોર્પોરેશન-02, ભરૂચ-04, અમદાવાદ-02, જામનગર કોર્પોરેશન-01, પોરબંદર-01, પાટણ-01, ગીર સોમનાથ-01 તેમજ અમરેલીમાં 01 શંકાસ્પદ કેસો મળેલ છે.
સુરતમાં વધતો શ્વાનનો આતંક
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. શ્વાન દ્વારા લોકોને કરડવાની અસંખ્ય ફરિયાદો સાથે ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં રોજના સરેરાશ 50થી વધુ શ્વાન કરડવાના કેસ સામે આવી રહ્યા છે. સુરતમાં છેલ્લા 2 મહિનામાં 2,576 લોકો પર શ્વાનનો હુમલો થયો છે. સુરત કોર્પોરેશન સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં જૂનમાં શ્વાન કરડવાના 590 કેસ નોંધાયા છે. જુલાઈ મહિનામાં 498 કેસ નોંધાયા છે. જ્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં જૂનમાં શ્વાન કરડવાના 823 કેસ જ્યારે જુલાઈ મહિનામાં 665 કેસ નોંધાયા છે.